રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 325.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર અંદાજે રૂ. 578.8 કરોડનો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સુપરસ્ટાર રજનીકાંત માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ નહીં પરંતુ દેશના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયા છે. એટલે કે તે એક ફિલ્મ માટે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન કરતાં વધુ ફી વસૂલ કરે છે.
રજનીકાંતની ફી કેટલી છે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ ‘જેલર’ના નિર્માતા કલાનિતિ મારન રજનીકાંતને મળ્યા હતા. તેમણે મીટિંગ દરમિયાન રજનીકાંતને ફિલ્મના પ્રોફિટ શેરિંગનો ચેક આપ્યો હતો. સાઉથના ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ મનોબાલા વિજયબાલને સોશિયલ મીડિયા પર કલાનિતિ મારન અને રજનીકાંતની તસવીર શેર કરી અને જાણકારી આપી કે અભિનેતાને આપવામાં આવેલ પ્રોફિટ ચેક લગભગ 100 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, રજનીકાંતે ‘જેલર’ માટે 110 કરોડ રૂપિયાની ફી લીધી હતી. અને હવે તેને 100 કરોડ રૂપિયાનો પ્રોફિટ ચેક મળ્યો છે. એટલે કે તેણે ‘જેલર’ને 210 કરોડ રૂપિયાની ફી લીધી છે. આવી સ્થિતિમાં તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે.
BMW કાર ચેક સાથે આપવામાં આવી
મનોબાલાએ અન્ય એક ટ્વીટમાં માહિતી આપી છે કે ‘જેલર’ના નિર્માતા કલાનિતિ મારને ચેક સાથે રજનીકાંતને BMW X7 કાર ભેટમાં આપી છે. એટલું જ નહીં, તેણે રજનીકાંતને બીજી ફિલ્મ કરવા માટે પણ વિનંતી કરી છે.