જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટમાં બુધવારે આતંકવાદીઓ સામે લડતા બે અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. આ પછી, ગુરુવારે એક મોટી સફળતા મળી અને સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. આ આતંકવાદીઓમાં એક કારી હતો, જે પ્રશિક્ષિત સ્નાઈપર હતો અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર પણ હતો. સુરક્ષા દળોએ આ આતંકવાદીઓને ઓપરેશન સુલ્કી હેઠળ ઠાર કર્યા હતા, જેઓ જંગલમાં છુપાયેલા હતા. સુરક્ષા દળો માટે આ જંગલમાં આગળ વધવું પડકારજનક હતું કારણ કે તેઓ ક્યાં છુપાયા છે તે જાણી શકાયું નથી.
આવી સ્થિતિમાં આતંકવાદીઓ સામે લડવું અને પોતાને બચાવવા એ એક પડકાર હતો. એન્કાઉન્ટરમાં આતંકીઓને ઠાર કર્યા બાદ હવે સુરક્ષા દળોએ તે ગુફાની તસવીર જાહેર કરી છે જ્યાં તેઓ છુપાયેલા હતા. આતંકવાદીઓએ થોડા ફૂટની આ જગ્યાને પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું. સુરક્ષા અધિકારીઓએ કહ્યું, ‘આ છુપાયેલા સ્થળોનો ઉપયોગ આતંકવાદીઓ કરે છે કારણ કે તેમને શોધી કાઢવું મુશ્કેલ છે. સેના અને અન્ય દળોએ ઓપરેશન સુલકી અંતર્ગત રાજૌરીના જંગલોમાં મળીને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ દરમિયાન ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાના નિવૃત્ત સૈનિકો પણ આતંકવાદી બની રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકો હવે આતંકવાદ સાથે જોડાવા માંગતા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનથી ભૂતપૂર્વ સૈનિકોને આતંકવાદી આડમાં મોકલવામાં આવી રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમને મજબૂત તાલીમ મળી છે. તેમના માટે કોઈપણ પરિસ્થિતિમાં જીવવું સરળ છે. આ સિવાય હથિયાર વગેરેની તાલીમની પણ જરૂર નથી. આ વર્ષે અત્યાર સુધીમાં કાશ્મીરમાં 81 આતંકવાદીઓ માર્યા ગયા છે.