જામનગર : રોગચાળા અને રસ્તાઓની સમસ્યાને લઈને કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

રાજ્યમાં અમદાવાદ પછી ડેન્ગ્યુના સૌથી વધુ કેસ જામનગરમાં નોંધાયા છે.છેલ્લા એક-દોઢ માસમાં ડેન્ગ્યુના ૧૧૦૦ જેટલા કેસ સરકારી ખાનગી હોસ્પીટલોમાં નોંધાયા છે. રોગચાળાની આવી સ્થિતિ અને અન્ય પ્રશ્નોને વાચા આપવા આજે જામનગરમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની અગ્રતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગર મહિલા કોંગી પ્રમુખ રંજનબેન ગજેરા, સહારાબેન મકવાણા, મ્યુ.વિપક્ષીનેતા અલ્તાફભાઈ ખફી, શહેર કોંગી મહામંત્રી સાજીદભાઈ બ્લોચ, મહિલા કોર્પોરેટરો જેનબબેન ખફી, નિતાબેન પરમાર, જેતુનબેન રાઠોડ, કોર્પોરેટરો આનંદભાઈ ગોહીલ, દેવશીભાઈ આહિર તેમજ સંખ્યાબંધ કાર્યકરોએ દર્દી તરીકે મહિલા કોર્પોરેટરને સ્ટ્રેચર ઉપર સુવડાવીને લાલબંગલા સર્કલથી ભીડભંજન રોડ પર રેલી સ્વરુપે થાળી વગાડતા અને સુત્રોચ્ચાર કરતા મ્યુ.કોર્પો.ના પટાંગણમાં આવીને આસી.કમિશનર જીજ્ઞેશભાઈ નિર્મલને આવેદનપત્ર આપ્યું હતું. મહિલા કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાંં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં રોડ-રસ્તાની ભારે ખરાબ સ્થિતિ છે. ઠરાવ થયો હોવા છતાં કોર્પોરેટરોને ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. શાસકો આ રીતે જામનગરના વિકાસને અટકાવીને બેઠા છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત પણ નવા રોડ બનવવાના હોય છે. લોકશાહીના નામે લોલમલોલશાહી ચાલતી હોય તેવી સ્થિતિ છે. સફાઈના અભાવે ગંદકીની સમસ્યા વકરી ગઈ છે. કચરાના ગંજ ઠેરઠેર ખડકાયેલા જોવા મળે છે. જેને કારણે તેમજ ભરાયેલા ખાબોચીયાઓને કારણે રોગચાળાની સ્થિતિએ માજા મુકી છે. છેલ્લા મહિનાઓમાં રોગચાળાના ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા છે.

Share This Article