લેન્ડ ફોર જોબ કેસમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ કોર્ટમાં આ માહિતી આપી છે. આ કેસની આગામી સુનાવણી 21 સપ્ટેમ્બરે થશે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં નવી ચાર્જશીટ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે, રેલવેના ત્રણ અધિકારીઓના કિસ્સામાં હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ CBIએ મંગળવારે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટને માહિતી આપી હતી કે કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તાજેતરની ચાર્જશીટના સંબંધમાં ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળી ગઈ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, રેલવેના ત્રણ અધિકારીઓ સામે કેસ ચલાવવા માટે હજુ સુધી મંજૂરી મળી નથી. તપાસ એજન્સીનું કહેવું છે કે એક સપ્તાહમાં અન્ય આરોપીઓ સામે પણ મંજૂરી મળવાની આશા છે. હાલમાં, કોર્ટે કેસની આગામી સુનાવણી 21 સપ્ટેમ્બર નક્કી કરી છે.
તમને જણાવી દઈએ કે આ કથિત કૌભાંડ 2004 થી 2009 ની વચ્ચે થયું હતું જ્યારે લાલુ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે નિયમોની અવગણના કરીને લોકોને રેલ્વેમાં ઘણી પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. તેના બદલામાં પટના, દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં લાલુ પરિવારના સભ્યોના નામે કિંમતી જમીનો ખૂબ જ ઓછી કિંમતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીબીઆઈએ નવી ચાર્જશીટમાં લાલુના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પણ આરોપી બનાવ્યા છે. આ સિવાય પૂર્વ સીએમ રાબડી દેવી, રાજ્યસભા સાંસદ મીસા ભારતી અને લાલુ પરિવારના અન્ય સભ્યો અને નજીકના સંબંધીઓ પણ સામેલ છે.