પ્રમુખસ્વામી મહારાજની ચોથી પુણ્યતિથિ, જાણો વિશ્વવંદનીય સંતના જીવનકાર્ય વિશે

admin
2 Min Read

ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા ભવ્ય મંદિરો બનાવી સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને ભવ્યતાનો પરિચય કરાવનાર પ્રમુખ સ્વામી મહારાજની આજે ચોથી પુણ્યતિથિ છે. ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી પ્રમુખસ્વામી મહારાજ ચાર વર્ષ પહેલા 13 ઓગસ્ટ 2016ના રોજ બ્રહ્મલિન થયા હતા.

પ્રમુખસ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર સાળંગપુર ખાતે કરવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના લાખો ભક્તોએ ભક્તિભાવથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો રાજકીય નેતાઓએ તેમજ જાણીતી હસ્તીઓએ પણ પ્રમુખસ્વામી મહારાજની ચોથી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

(File Pic)

ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રમુખસ્વામીની નમ્રતા, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની શ્રદ્ધા, અને કરુણાએ લાખો ભક્તો અને 1000 થી વધુ સાધુઓને નૈતિક અને આધ્યાત્મિક જીવનશૈલી જાળવવા પ્રેરણા આપી છે.

પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે 1940માં બીએપીએસના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી, જેમણે પછીથી તેમને 1950માં બીએપીએસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. બીએપીએસના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત કેન્દ્રિત સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત 1100 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા.

પ્રમુખસ્વામીના બ્રહ્મલીન થયા બાદ સંસ્થાની જવાબદારી પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંભાળી. પ્રમુખસ્વામી મહારાજે પોતે પત્ર દ્વારા મહંત સ્વામીની સંસ્થાના આગામી વડા તરીકેની નિમણૂંક કરી હતી.

Share This Article