ધારાસભ્ય હાર્દીક પટેલના મતવિસ્તારમાં સ્થાનિકો ગંદકી અને ઉભરાતી ગટરોથી ત્રસ્ત

Jignesh Bhai
2 Min Read

એક તરફ પ્રઘાનમંત્રી સ્વસ્છ ભારત અને સ્વસ્થ ભારતની વાતો કરે છે. દેશમાં નલ સે જલ યોજના થકી છેવાડાના લોકોને પાણી પહોંચે તે દિશામાં સરકાર કામ કરે છે, પરતું વિરમગામમાં (Viramgam) તો વિપરીત પરિસ્થિતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિકોએ લાંબા સમયથી ગંદકી અને વારંવાર ગટર (Drain) ઉભરાવવાની અનેક રજૂઆત કરવા છતાં નગરપાલીકા તંત્ર નિદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. તાજેતરમાં મુનસર દરવાજાથી ટાવર રોડ ઉપર વહેતા ગંદા પાણીથી રાહદારીઓ સહિત સ્થાનિકો રોજ હાલાકી ભોગવી રહ્યાં છે.

વિરમગામનું બજાર ખૂબ જૂનો અને મોટું હોવાથી આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે અવાર નવાર વિરમગામ આવતા હોય છે. તેમ છતાં આ વિરમગામનો વિકાસ સમયાંતરે થવો જોઈએ તેવો થયો નથી. ચૂંટણી સમયે નેતા વોટ લેવા આવતા હોય છે અને વિરમગામના વિકાસનાં મોટો-મોટ વાયદા આપતા હોય છે, પરતું સ્થિતી ઠેરના ઠેર છે. હવે લડાયક નેતાની છાપ ધરવનારા ભાજપના યુવા ધારાસભ્ય હાર્દીક પટેલ (MLA Hardik Patel) પોતે સ્થાનિક હોવા છતાં પણ હાલ વિરમગામની પ્રાથમિક સુવિઘા પણ લોકોને પુરી પાડવામાં હજી સફળ નથી તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. ખાસ કરી જૂના વિરમગામનાં બજારોમાં અને રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તાઓ પર સતત વહેતા નજરે પડે છે.

હાર્દીક પટેલનાં રાજમાં તો હવે વિરમગામની ઊભરાતી ગટરો ઓળખ બની છે, તેવું લોકોને લાગી રહ્યું છે. સ્થાનિકોનું માનવું છે કે, વિરમગામ નગરપાલિકા તંત્ર ધારાસભ્ય હાર્દિક પટેલની વાત માનતું નથી. ભુગર્ભ ગટર ઉભરાવવા બાબતે નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વિરમગામ મુનસર દરવાજાથી લઈને ટાવર રોડ સુધી ભૂગર્ભ ગટરના પાણી વહી રહ્યા છે. હવે તો લોકો ગટરના ગંદા પાણીમાંથી રોજ પસાર થઈ સ્થાનિકો કંટાળી ગયા છે. તેમજ ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી લોકની માગણી હવે જોરોથી ઉઠી રહી છે. આ સમસ્યા અંગે વાત કરવા જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોલ કરવામાં આવ્યો, ત્યારે તેમના પરફથી કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી.

Share This Article