પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં શનિવારે એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 26 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે બસ ગિલગિટથી રાવલપિંડી જઈ રહી હતી ત્યારે સાંજે લગભગ 6.30 વાગ્યે ચિલાસમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે હુમલા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો અને તે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ. ચિલાસના ડેપ્યુટી કમિશનર આરિફ અહેમદે જણાવ્યું કે અત્યાર સુધીમાં હુમલામાં માર્યા ગયેલા આઠ લોકોમાંથી પાંચની ઓળખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હુમલામાં 26 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે મૃતકોમાં બે (પાકિસ્તાની) આર્મી સૈનિકો પણ સામેલ છે અને સ્પેશિયલ સિક્યુરિટી યુનિટનો એક જવાન પણ ઘાયલ થયો છે. હુમલા બાદ આતંકીઓ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.