ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઘરેલુ સિઝનમાં ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે રણજી ટ્રોફી 2024ની તેની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી. પુજારાએ ઝારખંડ સામે સૌરાષ્ટ્ર માટે અણનમ 243 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 356 બોલનો સામનો કર્યો અને 30 ચોગ્ગા ફટકાર્યા. આ મેચ ડ્રો રહી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર મોહમ્મદ કૈફે પુજારાની આ ઇનિંગ વિશે મોટી વાત કહી છે. તેણે કહ્યું કે પુજારા વિશે પસંદગીકારો જે પણ વિચારે છે, તેની પ્રતિબદ્ધતા યુવાનો માટે બોધપાઠ હોવી જોઈએ.
કૈફે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રાષ્ટ્રીય પસંદગીકારો તેના વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પૂજારા રન બનાવવાનું ચાલુ રાખે છે. તેની પ્રતિબદ્ધતા તમામ યુવા ખેલાડીઓ માટે પાઠ સમાન હોવી જોઈએ.” લોકો કૈફની પોસ્ટ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “પુજારાના નામે 61 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી છે પરંતુ તે હજુ પણ જુનિયર ક્રિકેટરની જેમ રણજી ટ્રોફી રમે છે.” અન્ય યુઝરે કહ્યું, “પૂજારાને ઈંગ્લેન્ડ સીરીઝ માટે પસંદ કરવો જોઈએ.”
પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ બાદથી ભારત તરફથી રમ્યો નથી. તેને વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં જગ્યા મળી ન હતી. પુજારાની ઈંગ્લેન્ડ શ્રેણી માટે પસંદગી થવાની શક્યતા ઓછી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. પૂજારાએ ભારત માટે 103 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 43.61ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 19 સદી અને 25 અડધી સદી ફટકારી હતી.
Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5
— Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024