ભારતીય ટીમ અત્યારે WTC ફાઈનલ બાદ આરામ પર છે.જુલાઈમાં ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમને 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમવાની છે. પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી ટેસ્ટ મેચથી થશે જ્યારે છેલ્લી મેચ 13 ઓગસ્ટે T20 ફોર્મેટમાં રમાશે. જો કે, હજુ સુધી ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મેચ વિનિંગ પ્લેયરને ટેસ્ટ સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે ઝડપી બોલિંગ કરનારા મોહમ્મદ શમીને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. સમાચાર અનુસાર, કામના ભારણને કારણે ટીમ મેનેજમેન્ટ આ નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે શમીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઈનલ મેચમાં પણ શાનદાર બોલિંગ કરી હતી.તેણે બંને ઈનિંગ્સમાં બે-બે વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
જણાવી દઈએ કે મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી સારી બોલિંગ કરી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી વખતે તેણે IPL 2023માં પણ સારી બોલિંગ કરી હતી. ફાઈનલમાં ભલે ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ, પરંતુ શમીએ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપ જીતી. તેણે 17 મેચમાં 8.03ની ઈકોનોમી સાથે 28 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ 11 રનમાં 4 વિકેટ હતી.
શમીએ ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે મેચ વિનિંગ સ્પેલ ફેંક્યા છે. તેના કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 64 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેના ખાતામાં 229 વિકેટ આવી છે. ટેસ્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 56 રનમાં 6 વિકેટ રહ્યું છે. બીજી તરફ જો ODI મેચોની વાત કરીએ તો તેણે 90 મેચ રમીને 162 વિકેટ ઝડપી છે. T20 ક્રિકેટમાં તેણે 23 મેચમાં બોલિંગ કરી છે અને 24 વિકેટ લીધી છે.