વર્લ્ડ કપ 2023ની જેમ ટી20 વર્લ્ડ કપ 2024માં પણ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ‘શ્રેષ્ઠ ફિલ્ડર’ને ગોલ્ડ મેડલ આપવાની પરંપરા ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામેની જીત સાથે કરી હતી. ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. મેચ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં મેચના શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજ ટૂર્નામેન્ટનો પહેલો મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. સિરાજને આ મેડલ તેના શાનદાર રન આઉટ માટે મળ્યો હતો. આ વખતે મેચનો શ્રેષ્ઠ ફિલ્ડર ડ્રેસિંગ રૂમમાં આવેલા નાના ચાહકે પસંદ કર્યો હતો.
ભારત અને આયર્લેન્ડ મેચના બેસ્ટ ફિલ્ડર માટે બે દાવેદાર હતા – ઋષભ પંત અને મોહમ્મદ સિરાજ. પંતે બે કેચ સાથે એક રન આઉટ કર્યો, જ્યારે અસમાન પીચ પર ખૂબ જ સારી વિકેટ કીપિંગ પણ કરી. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરવા ઉપરાંત ગેરેથ ડેલાનીને રન આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ સિરાજનો રનઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ હતો જેના કારણે તેને આ મેડલ મળ્યો. સિરાજના આ રનઆઉટના કારણે ભારત આયર્લેન્ડને 100 રનની અંદર જ મર્યાદિત રાખવામાં સફળ રહ્યું હતું.
તમે પણ જુઓ વિડિયો-
મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા ઈચ્છતો હતો કે ટીમના ખેલાડીઓ વધુમાં વધુ સમય મેદાન પર વિતાવે. જોકે, આયરિશ ટીમે માત્ર 16 ઓવરમાં જ ભારતીય ટીમને શરણે કરી દીધી હતી. આયર્લેન્ડ માત્ર 96 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. હાર્દિક પંડ્યા ટીમનો સૌથી સફળ બોલર હતો જેણે 3 વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને 2-2 સફળતા મળી હતી.
97 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 12.2 ઓવરમાં જ જીતી ગઈ હતી. રોહિત શર્માએ 52 રનની ઇનિંગ રમી હતી જ્યારે નંબર-3 પર આવેલા રિષભ પંતે અણનમ 36 રન બનાવ્યા હતા.
ભારતની આગામી મેચ 9 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે.