પાકના નાપાક કાવતરાનો પર્દાફાશ, સરહદ પરથી મળી આવી ટનલ

admin
1 Min Read

ભારતમાં આતંકવાદીઓથી માંડીને માદકદ્રવ્યો અને ગેરકાયદેસર શસ્ત્રો ઘુસાડવાના પાકિસ્તાનના વધુ એક કાવતરાનો પર્દાફાશ થયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ને જમ્મુમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ૨૦ મીટર લાંબી ટનલ મળી આવી છે. બીએસએફના અધિકારીએ જણાવ્યું કે, બોર્ડર સુરક્ષા દળે આ ટનલની જાણકારી મેળવી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ ટનલની મદદથી પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવામાં આવે છે,આ ટનલ આશરે 20 મીટરથી વધુ લાંબી છે. તેમજ ત્રણથી ચાર ફૂટ પહોળી છે.

મળતી માહિતી મુજબ, બીએસએફની પેટ્રોલીંગ પાર્ટી દ્વારા જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરના ગલાર વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક ટનલ મળી આવી હતી. આતંકીઓ અને તસ્કરોની ઘુસણખોરી માટે બનાવવામાં આવેલ આ ટનલનું જે મુખ છે તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની માટીની થેલીઓ ગોઠવી દેવામાં આવી હતી અને તેના પર માટી પાથરી દેવામાં આવી હતી જેથી ટનલ અંગે કોઈને જાણકારી ન મળી શકે.

જોકે બીએસએફ જવાનોની સતર્કતાથી આ ટનલ મળી આવી છે અને નાપાક પાકિસ્તાનના ઈરાદાઓ ફરી એકવાર સાફ થયા છે. હાલ બીએસએફની ટીમ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article