નેશનલ : ઉત્તર ભારતમાં હિટવેવ: જુલાઈમાં ગરમીએ તોડ્યો 90 વર્ષનો રેકોર્ડ

admin
1 Min Read

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી. રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અને પંજાબમાં ઘણા સ્થાનો પર ગુરુવારે તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું હતું. બીજી તરફ દિલ્હીવાસીઓએ બુધવારે ભારે ગરમી વચ્ચે લૂના પ્રકોપનો સામનો કરવો પડયો હતો. તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું કે જે જુલાઈ મહિનાનું ૯૦ વર્ષનું સૌથી વધારે તાપમાન છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં હીટવેવની સંભાવના છે. આઈએમડીએ લોકોને ભારે લૂથી બચવાના ઉપાયો કરવા ચેતવણી આપી હતી. તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક તરફ ઉત્તર ભારતના સાત-આઠ રાજ્યોમાં ભારે હિટવેવ અનુભવાશે, ત્યારે બીજી તરફ ઘણાં રાજ્યોમાં વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં વાતાવરણ બદલ્યું હોવાથી તેની અસર હેઠળ પશ્વિમ બંગાળમાં આ સપ્તાહમાં વરસાદ થશે. તે ઉપરાંત બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે…જુલાઈના અંત સુધીમાં સરેરાશ વરસાદ સારો એવો પડી જશે એવી ધરપત પણ હવામાન વિભાગે બંધાવી હતી. દેશભરમાં જુલાઈ માસમાં ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડવાની ધારણા છે

Share This Article