ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમના અત્યાર સુધીના પ્રદર્શન બાદ સુકાની બાબર આઝમ પર આંગળી ઉઠાવવી સ્વાભાવિક છે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમ્યું છે, જેમાંથી તેણે માત્ર બેમાં જ જીત મેળવી છે, જ્યારે ત્રણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકા સામે જીત નોંધાવીને ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ પછી બાબર એન્ડ કંપનીને ભારત, ઓસ્ટ્રેલિયા અને હવે અફઘાનિસ્તાન સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ સોમવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. એવું માનવામાં આવતું હતું કે પીચ સ્પિનરોને ઘણી મદદ કરશે, પરંતુ એવું કંઈ થયું નહીં અને પીચ બેટ્સમેનોને મદદરૂપ જણાઈ. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં સાત વિકેટે 282 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન બાબર આઝમના 74 રન સામેલ હતા. પાકિસ્તાન માટે સૌથી વધુ રન બાબરના બેટમાંથી આવ્યા હતા, પરંતુ તેમ છતાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે હાર માટે બાબરને જવાબદાર ગણાવ્યો છે.
અબ્દુલ રઝાકે કહ્યું, ‘બાબર આઝમે 92 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે અફઘાનિસ્તાન સામે અમારે સહન કરવું પડ્યું હતું. જો તમે સતત સિક્સર નથી ફટકારી શકતા તો તમે વિશ્વના નંબર 1 બેટ્સમેન કેવી રીતે બની શકો? જો બાબર વહેલો આઉટ થઈ ગયો હોત તો શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદને વધુ બોલ રમવાની તક મળી હોત અને પાકિસ્તાને વધુ રન બનાવ્યા હોત.
પાકિસ્તાને અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને અફઘાનિસ્તાને 49 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 286 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાને પણ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને હાલમાં આઈસીસી વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં તળિયે છે. ભારત અત્યારે વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાન પાંચમા સ્થાને જ્યારે અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને છે.