ખેડૂત આંદોલનથી તબલીગી જમાત જેવી મુશ્કેલી સર્જાશે : સુપ્રીમ

admin
1 Min Read

કૃષિ કાયદાને પરત લેવાની માંગ સાથે છેલ્લા 42 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે ખેડૂતોના આ આંદોલનને લઈને હવે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. ખેડૂત આંદોલનને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાની અરજી પર સુનાવણી કરતા ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન 2020માં દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત જેવી સ્થિતિ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું છે કે શું આંદોલનમાં ખેડૂતો કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ તકેદારીના પગલાં રાખી રહ્યા છે કે નહીં.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે ગુરુવારે સુનાવણી કરતાં કહ્યું કે દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલન સ્થળો પર કોરોના વાયરસ સંક્રમણના મામલા વધી શકે છે. અરજીકર્તા વકીલે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો કે તેઓ ગયા વર્ષે નિઝામુદ્દીન મરકઝમાં આયોજિત ધાર્મિક આયોજનથી વધેલા કોરોના વાયરસ સંક્રમણના કેસમાં મરકઝના પ્રમુખ મૌલાના સાદની પણ ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને એ જણાવવા માટે કહ્યું છે કે ખેડૂત આંદોલન સ્થળો પર કોરોનાના પ્રસારને રોકવા માટે શું પગલા ભરવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી છે.

Share This Article