શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણનાં નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ મેમો ફટકારવામાં આવે છે. અનેક વાહન ચાલકો આવા નિયમોથી હેરાન- પરેશાન છે. વકીલો એ પણ આ મેમો સામે મુહિમ છેડી હતી. ત્યારે હવે મેમોથી કંટાળેલા એક ગાંધીગ્રામ વિસ્તારના વાહન ધારકે તો મારી પાસે ટ્રાફિક મેમોની દંડની રકમ ભરવાના પૈસા નથી. માટે મને કીડની વેચવાની મંજૂરી આપો. કહી પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. જાણવા મળતી વિગત અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારનાં ભારતી નગરમાં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનિંગનું કામ કરતા પરેશ મનસુખભાઈ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશ્નરને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, પોતાની પાસે નું ટૂ વ્હીલર તેની પત્નીના નામે છે.
બે દિવસ પહેલા તા.15નાં રોજ 2 ટ્રાફિક પોલીસ મેન મારા ઘરે આવ્યા હતા. અને વર્ષ 2018માં આવેલા ટ્રાફિક મેમોની બાકીની રકમ ઉઘરાણી માટે આવ્યા હોવાનું કહી આ રકમ ટ્રાફિક શાખાની રૂડા પાસેની કચેરીએ ભરી દેવા જણાવ્યું હતું. સાથેજ આમ નહીં કરાય તો બાઈક ડિટેઈન કરવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું. પરેશભાઈ રાઠોડનાં કહેવા મુજબ હાલમાં દિવાળીનાં તહેવારો છે. અને ધંધા માં દૈનિક ખર્ચાઓ માંડ નીકળી રહ્યા છે. જેને લઈને પોતે દંડની રકમ ભરવા માટે હાલ સક્ષમ નથી. જો વાહન ડિટેઈન કરવામાં આવે તો ધંધા- રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડે તેમ છે. આમ છતાં જો પોલીસ દંડ માટે આગ્રહ રાખશે તો ના છૂટકે પોતે પોતાની કિડની વેચવા માટે મજબુર બનશે.
