મોત 1 લાખને પાર તેમ છતાં કોરોનામુક્ત દર્દીઓ મામલે ભારત વિશ્વમાં મોખરે

admin
2 Min Read

ભારતમાં કોરોનાથી મોતનો આંકડો 1 લાખને પાર કરી જતા ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1069 કોરોના દર્દીના મોત થયા છે.  જોકે કોરોના સંક્રમણની રફ્તાર ધીમી પડી ગઈ છે.  જ્યારે એક દિવસના નવા કેસની સંખ્યા 80 હજારથી ઓછી થઈ છે. દેશમાં સતત 11મા દિવસે કોરોનાના એક્ટિવ કેસ 10 લાખથી નીચે રહ્યા છે જ્યારે ભારતે કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યામાં વિશ્વમાં મોખરાનું સ્થાન પણ જાળવી રાખ્યુ છે. જે કોરોનાની દહેશત વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. દેશમાં કોરોનાથી મોતનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે. જોકે આ આંકડાની સામે જ્યારે કોરોનાથી સાજા થયેલા દર્દીના આંકડા સામુ જોવામાં આવે તો અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ ઘણી સારી છે.

ભારતમાં માત્ર 12 દિવસમાં 10 લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 79476 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના સંક્રમિતોનો આંક 64,73,544 થયો છે.

બીજીતરફ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંકડો 54 લાખને પાર જતા રિકવરી દર 83.84 થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. 24 કલાકમાં વધુ 1,069 દર્દીઓના કોરોનાથી મોત થતાં કુલ મૃત્યુ આંક 1,00,842 થયો હતો. તો દેશમાં હાલમાં 9,44,996 કોરોના સક્રિય કેસો છે જે કુલ કેસના 14.60 ટકા હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ 19ને પગલે મૃત્યુનો દર 1.56 ટકા નોંધાયો છે. મહત્વનું છે કે, આઈસીએમઆરના ડેટા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 7,78,50,403 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Share This Article