વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત, હવે ગરીબોને નવેમ્બર સુધી મળશે ફ્રી રાશન

admin
2 Min Read

ચીન સાથે સરહદ વિવાદ અને કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. પીએમ મોદી 19 માર્ચથી લઈને અત્યાર સુધી પાંચ વખત સંબોધન કરી ચુક્યા છે. ત્યારે આ સાથે મંગળવારે તેમણે રાષ્ટ્રને છઠ્ઠી વખત સંબોધન કર્યુ હતું. જે દરમિયાન તેમણે ગરીબો અને જરુરીયાતમંદો માટે મોટી જાહેરાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે. 80 કરોડથી વધારે લોકોને હજી પણ આગામી પાંચ મહિના સુધી મફતમાં અનાજ પૂરુ પાડવામાં આવશે. આ ઉપરાંત દર મહિને લોકોને એક કિલો ચણા પણ આપવામાં આવશે.

સાથે જ તેમણે જણાવ્યું કે, હું દરેક ખેડૂત અને કરદાતાનો આભાર માનુ છું. આવનારા સમયમાં અમે અમારા પ્રયાસોની ગતિ વધારશું. અમે બધાને સશક્ત કરવા માટે સતત કામ કરીશું. રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશભરમાં એક રાશનકાર્ડ પર કામ કરવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર બધાને રાશન આપી રહી છે તો તેની ક્રેડિટ અન્નદાતા કિસાન અને બીજા ઈમાનદાર ટેક્સપેયરને જાય છે.

આ ઉપરાંત તેમણે અનલોક 2 અંગે વાત કરતા જણાવ્યું કે કોરોના સામેની લડાઈ લડતા લડતા આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ આપણે આ સાથે એ ઋતુમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી-ખાંસી અને તાવનું પ્રમાણ વધે છે. આવી સ્થિતિમાં મારી દેશવાસીઓને નમ્ર પ્રાર્થના છે કે આપ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.

તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીમાં સમય પર લેવામાં આવેલ નિર્ણયોના કારણે ભારતમાં લાખો લોકોનું જીવન બચાવ્યું છે. જોકે અનલોક-2માં હવે સાવધાની રાખવાની વધુ જરુર છે. લોકડાઉન દરમિયાન આપણે જે સાવધાની રાખી હતી તે હવે નથી રાખી રહ્યા. અનલોક લાગુ થયા બાદ વ્યક્તિગત અને સામાજિક બેદરકારી વધી રહી છે જે આપણને નુકશાન કરી શકે છે.

Share This Article