રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Jignesh Bhai
2 Min Read

રાજ્યમાં ચોમાસાના આગમન બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જોકે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો, રાજ્યના 48 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ડેમ ખોલવામાં આવ્યા હતા

રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદની તીવ્રતા ઘટી અને રાજ્યના 48 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઈંચ જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં 3 ઈંચ, ધ્રોલમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરમાં 2 ઈંચ, પોરબંદરના કુતિયાણામાં 1.25 ઈંચ અને ભાવનગરના ગારીયાધારમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પખવાડિયા સુધી વરસાદી ઝાપટા પડ્યા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નદી નાળાઓ છલકાઈ ગયા હતા.

રાજ્યમાં સિઝનનો 32 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. હવામાં સાપેક્ષ ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે 64 ટકા નોંધાયું હતું. અમદાવાદમાં આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 32 ટકા વરસાદ સરેરાશ 11 ઈંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે ભરૂચ-સુરત, અમરેલી-જૂનાગઢ-ગીર સોમનાથ, ડાંગ-નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

Share This Article