ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ

admin
1 Min Read

ચોમાસાએ ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. શનિવાર એટલે કે આજથી નવરાત્રીનો પણ પ્રારંભ થઈ ગયો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદનાં બાવળામાં 23 એમએમ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગરના થાનગઢ, રાજકોટના કોટડાસંઘાણી સહિત કચ્છના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતું. જ્યારે શનિવારે વહેલી સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે. અતિવૃષ્ટિમાં નુકસાન બાદ કમોસમી વરસાદની આગાહીના પગલે રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Share This Article