નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની નિયુક્તિ કરાઈ

admin
1 Min Read

નવા ચૂંટણી કમિશનર તરીકે પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. રાજીવ કુમાર અશોક લસાવાની જગ્યા લેશે. લવાસાએ 18 ઓગસ્ટના રોજ ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતું.

(રાજીવ કુમાર)

ત્યારબાદ કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દેશના નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની નિમણૂંક કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમાર આગામી 31 ઓગસ્ટથી તેમનો કાર્યભાર સંભાળશે. જ્યારે અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે.

(અશોક લવાસા)

આપને જણાવી દઈએ કે, રાજીવ કુમાર 1984 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. ગત વર્ષે જુલાઇમાં રાજીવ કુમારની નાણાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

તે ઝારખંડ કેડરનાં 1984 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ હોદ્દા પર રહીને કામ કર્યું છે અને સપ્ટેમ્બર 2017માં તેમને ફાયનાન્સ સર્વિસિસ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)ને મજબુત બનાવવાની કેન્દ્રની યોજનાને અમલમાં મૂકવામાં રાજીવ કુમારનો મહત્વની ભુમિકા હતી. તેમણે નાણાકીય સમાવેશનનાં હેતુસર પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી યોજનાઓનાં અમલીકરણ પર પણ કામ કર્યુ હતું. ત્યારે હવે કાયદા મંત્રાલય દ્વારા તેમને નવા ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

Share This Article