રાજકોટ શહેરમાં રાત્રીના 8 વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો નોંધાવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત 25 મિનિટ સુધી પડેલા વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાના પણ બનાવો સામે આવ્યા હતા. વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી પર ટ્રાફિકજામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. રાજકોટ શહેર સાથે જ જીલ્લાની અંદર પણ વાતાવરણમાં અચાનક પલટો થતા જિલ્લાના લોધીકા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે. હાલ એક બાજુ કલેકટર તંત્ર અને વીમા કંપની દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સર્વે શરૂ છે. બીજી તરફ કમોસમી વરસાદ સતત યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 15 નવેમ્બર સુધી બંધ છે. ત્યારે ખેડૂતોની મગફળી માર્કેટિંગ યાર્ડમાં પડી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં 60 હજાર ગુણી મગફળીની આવક થવા પામી છે. જેના કારણે મગફળીની ચિક્કાર આવક થતા ખેડૂતોને પ્રમાણમાં ભાવ પણ ઓછા મળી રહ્યા છે.
