રાજકોટ : આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા, સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આપ ઉભરી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં કોઠારીયા ગામ નજીક બિલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગોપાલા ઇટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ સભામાં પણ આપના કાર્યકરો અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઠારીયા ગામ નજીક આવેલા બીલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની એક જંગી જાહેરસભાનું આયોજન કરાયું છે.

આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં પણ લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. બીજી તરફ સભાસ્થળ બહાર બ્રહ્મસમાજનાં લોકો દ્વારા હર હર મહાદેવનાં નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે સ્થિતિ વણસે તે પહેલાં પોલીસે દેખાવો કરતા તમામની અટકાયત કરી છે. આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ખાસ રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમના સ્વાગત સહિત સદસ્યતા અભિયાન દ્વારા કાર્યકર્તાઓને ‘આપ’ સાથે જોડવા બીલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઇટાલિયાની સભા બહાર વિરોધ પ્રદર્શન થતા પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી.

Share This Article