અમદાવાદને મિની પાકિસ્તાન કહી વિવાદમાં આવ્યા સંજય રાઉત

admin
2 Min Read

સુશાંત અપમૃત્યુ કેસમાં ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરતા શિવસેના નેતા સંજય રાઉતે તેને હિમ્મત હોય તો મુંબઈ આવીને બતાવ તેવી ધમકી આપી છે. એટલુ જ નહીં કંગના રનૌતને પડકાર ફેંકતા સમયે શિવસેના સાંસદ ભાન ભૂલ્યા હતા અને કહ્યું કે, કોઈની હિંમત છે કે, અમદાવાદને મિનિ પાકિસ્તાન કહી શકે. શિવસેના-કંગના રનૌત વિવાદમાં અમદાવાદની એન્ટ્રી થઇ છે.

ત્યારે સંજય રાઉતની વિવાદીત ટીપ્પણી પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે.. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવ્યા બાદ અમદાવાદીઓની સાથે સાથે હવે ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ રોષે ભરાયા છે. તેમણે સંજય રાઉતનું મોઢું કાળુ કરવાની વાત કરી છે.

સંજય રાઉતના નિવેદનને ભાજપના નેતાઓએ વખોડ્યું છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ટ્વિટ કરી રાઉત માફી માગે તેવી માંગ પણ કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાત એ ગાંધી અને સરદારની ભૂમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભૂમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ઋષિમુનીઓની ભૂમિ છે. સંજયજી તમારે આ શબ્દોનો પ્રયોગ કરવા બદલ શરમ આવવી જોઈએ. તમારે અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વળતો પ્રહાર કરતા સંજય રાઉતને કહ્યું કે, તેઓના વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂર નથી. જો તેમનાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો માફી માંગી લે. અન્યથા તેઓ જ્યારે પણ અમદાવાદ આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે.

Share This Article