ક્રિકેટના વર્તુળોમાં, સંજુ સેમસનને ભારતનો સૌથી કમનસીબ ક્રિકેટર કહેવામાં આવે છે. 2015માં ભારતીય ટીમ માટે પ્રથમ મેચ રમનાર સંજુને 9 વર્ષમાં માત્ર 13 ODI અને 24 T20I રમવાની તક મળી છે. ડોમેસ્ટિક ક્રિકેટની સાથે-સાથે IPLમાં પણ સંજુએ ઘણી વખત જોરદાર પ્રદર્શન કરીને ટીમમાં જગ્યા બનાવી, પરંતુ ક્યારેક તે તકનો લાભ ઉઠાવી ન શક્યો તો ક્યારેક બેન્ચને ગરમ કરીને પરત ફર્યો. તાજેતરમાં રિલીઝ થયેલી ભારત વિ ઓસ્ટ્રેલિયા 5 મેચની T20 શ્રેણી માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. જો કે હવે તેણે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. સેમસન કહે છે કે તેણે વિચાર્યું હતું તેના કરતાં વધુ સિદ્ધિ મેળવી છે.
એક યુટ્યુબ ચેનલ પર સંજુ સેમસને કહ્યું, ‘લોકો મને સૌથી કમનસીબ ખેલાડી કહે છે, પરંતુ હું અત્યારે જ્યાં સુધી પહોંચ્યો છું, તે મેં વિચાર્યું હતું તેના કરતાં વધુ છે.’
આ સિવાય સેમસને કેપ્ટન રોહિત શર્મા વિશે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે રોહિત શર્મા તેને ઘણો સપોર્ટ કરે છે.
એક ઘટના શેર કરતા આ વિકેટ કીપર બેટ્સમેને કહ્યું, ‘રોહિત શર્મા એ પહેલો કે બીજો વ્યક્તિ હતો જે મારી પાસે આવ્યો અને મારી સાથે વાત કરી. તેણે મને કહ્યું, ‘હે સંજુ, કેમ છો… તેં IPLમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે ઘણી સિક્સર ફટકારી. તમે ખરેખર સારી બેટિંગ કરો છો. મને તેમના તરફથી ઘણો સપોર્ટ મળ્યો.
જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજુ સેમસન માટે ભારતીય ટીમના દરવાજા સંપૂર્ણપણે બંધ નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ ચીફ સિલેક્ટર અજીત અગરકરે હાલમાં જ મુંબઈમાં સંજુ સાથે વાત કરી હતી. જો કે મીટિંગમાં શું થયું તે જાણી શકાયું નથી, પરંતુ સંકેતો છે કે કેરળનો ક્રિકેટર પસંદગી સમિતિની ભાવિ યોજનાઓનો ભાગ છે.