સી-પ્લેનને લઈ તૈયારીઓ પૂર જોશમાં : ભારતીય પાયલટ, ક્રૂ મેમ્બરને અપાશે ખાસ તાલીમ

admin
1 Min Read

આગામી 31 ઓક્ટોબરના રોજ કેવડીયા કોલોની ખાતેથી જેનો આરંભ કરવાની તૈયારીઓ જોરો પર છે એવા સી પ્લેન માટે અમદાવાદના સાબરમતી રીવરફ્રંટના અપર પ્રોમેનાડ પર એરપોર્ટ બિલ્ડિંગ તેમજ ટર્મિનલ અને વોચ ટાવર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઈટમાં બે વિદેશી પાયલટ અને બે ક્રૂમેમ્બર હશે, જે 6 મહિના અહીં રહીને ભારતીય પાયલટ, ક્રૂ-મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીના એક એવા સી-પ્લેનને અમદાવાદથી કેવડીયા સુધી 31 ઓકટોબર-2020થી શરૂ કરી શકાય એ માટે તંત્ર દ્વારા અમદાવાદ શહેરનાં આંબેડકર બ્રિજ પાસે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સી પ્લેન મારફતે સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં જ કાપી શકાશે.

સી-પ્લેન પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલ ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા મુજબ, એરલાઈન્સે હાલ બે વિમાન લીઝ પર માંગ્યા છે. 18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે. અમદાવાદ અને કેવડીયા વચ્ચે રોજ અંદાજે કુલ આઠ ફલાઈટનું આયોજન હાલ વિચારણા હેઠળ છે.જેમાં ચાર ફલાઈટ અમદાવાદથી કેવડીયા માટે અને ચાર ફલાઈટ કેવડીયાથી અમદાવાદ પરત ફરે એ પ્રમાણેની વિચારણા કરવામાં આવી છે.

Share This Article