ચોમાસાની ઋતુમાં ગુજરાતના અલગ-અલગ સ્થળોએ મકાન અને મકાન ધરાશાયી થવાના અકસ્માતો બને છે. જેના કારણે આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. તો આજે ભાવનગરમાંથી બિલ્ડીંગ ધરાશાયી થવાની કરૂણાંતિકા સામે આવી છે. જ્યાં 17 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઇ જવાયા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 11 વાગ્યાના સુમારે ભાવનગરના માધવ હિલ કોમ્પ્લેક્સના બીજા માળની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ કોમ્પ્લેક્ષમાં ઉભરાતા 17 જેટલા લોકો જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા હતા. આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં 17 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, અને સદનિસબેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં ફાયર વિભાગે 15 લોકોને બચાવી લીધા છે, જ્યારે 2 લોકો હજુ પણ દટાયેલા છે, તેમનું બચાવ કાર્ય ચાલુ છે.
ઘટનાને પગલે એમ્બ્યુલન્સનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ઘેસડવા ખાતે લાવવામાં આવ્યા હતા. આ સાથે આ ઘટનાને લઈને પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને એકઠા થયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના અંગે ભાવનગરના મેયરે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ તંત્રની બેદરકારી હશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવાની પણ વાત કરવામાં આવી છે. હાલ મળતી માહિતી મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા 150 જર્જરિત બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ આ બિલ્ડીંગને કેમ નોટીસ આપવામાં આવી તે હવે તપાસનો વિષય બન્યો છે. જો કે જો મોટો અકસ્માત સર્જાયો હોત તો તંત્રએ બોધપાઠ લીધો હોત, તેવા સવાલો પણ ભાવનગર કોર્પોરેશન સામે ઉઠી રહ્યા છે.
