છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જોકે બે દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. તેવામાં ક્રૂડની કિંમતમાં ફરી એકવાર ઘટાડો થયો છે, જેનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ચાલુ મહિનામાં 15થી 16 ટકા સુધી ઘટાડો થયો છે.
ત્યારે તેલ કંપનીઓ આ ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરે છે તો મોંઘવારીનો સામનો કરી રહેલ દેશના કરોડો વાહન ચાલકોને આંશિક રાહત મળશે. ક્રૂડ ઓઇલ હાલ 40 ડોલરના નીચલા સ્તર પર ચાલી રહ્યું છે, જે જૂન બાદનું સૌથી નીચું સ્તર છે. કોરોના વાયરસના કહેરને લઇને ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ભારત મોટાભાગે બ્રેન્ટ ક્રૂડની આયાત કરે છે, તેથી આવનારા દિવસોમાં પેટ્રોલિયમ પદાર્થ ઘણા સસ્તા થઇ શકે છે. એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસીડેન્ટ (ઊર્જા અને ચલણ) અનુજ ગુપ્તાએ જણાવ્યું કે સાઉદી અરબની કંપની સાઉદી અમરાકોએ એશિયન દેશોમાં ઓઇલના વેચાણ વધારવા માટે કિંમતોમાં ઘટાડો કર્યો છે. તેમણે જણાવ્યું કે આની અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સપ્તાહ સુધીમાં જોવા મળી શકે છે