BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથેના ‘કેપ્ટન્સી’ વિવાદ પર ફરી એકવાર સ્પષ્ટતા આપી છે. ગાંગુલીનું કહેવું છે કે તેણે વિરાટ કોહલીને કેપ્ટનશીપથી હટાવ્યો નથી. વિરાટ કોહલીએ 2021 T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. જો કે તેણે વનડે અને ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બીસીસીઆઈ તેના નિર્ણયથી ખુશ ન હતી. ગાંગુલીએ કહ્યું કે તેણે વિરાટને નિશ્ચિતપણે ટી-20 બાદ વનડેની કેપ્ટન્સી છોડવાનું કહ્યું હતું. ગાંગુલી ઈચ્છતો હતો કે સફેદ બોલની ક્રિકેટમાં વિભાજિત કેપ્ટનશીપ ન હોવી જોઈએ અને ટી20 અને વનડે ક્રિકેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ.
રિયાલિટી શો દાદાગીરી અનલિમિટેડ સીઝન 10ના એક વીડિયોના જવાબમાં સૌરવ ગાંગુલીએ કહ્યું, ‘મેં વિરાટને કેપ્ટનશિપમાંથી હટાવ્યો નથી. મેં આ ઘણી વખત કહ્યું છે. તેને T20I માં નેતૃત્વ કરવામાં રસ ન હતો તેથી, જ્યારે તેણે આ નિર્ણય લીધો, ત્યારે મેં તેને કહ્યું કે જો તમને T20I માં નેતૃત્વ કરવામાં રસ નથી તો સારું રહેશે કે તમે આખા સફેદ બોલની ક્રિકેટની કેપ્ટનશિપ છોડી દો. એક સફેદ બોલનો કેપ્ટન અને એક લાલ બોલનો કેપ્ટન રહેવા દો.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા વિરાટ કોહલીના એક નિવેદને હંગામો મચાવી દીધો હતો. ગાંગુલીએ કહ્યું કે કોહલી સાથે વાત કર્યા બાદ જ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. જ્યારે કોહલીનું નિવેદન આનાથી અલગ હતું. કોહલીએ કેપ્ટનશીપના વિવાદ પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી રહી હતી ત્યારે મને મીટિંગમાં બોલાવવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમને લઈને પસંદગીકારો સાથે ચર્ચા થઈ હતી પરંતુ બેઠકના અંતે તેઓએ કહ્યું કે મને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હું પસંદગીકારોના નિર્ણય સાથે સંમત છું.
કેપ્ટનશિપનો વિવાદ વધતો જોઈને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં નેતૃત્વ કરવાની તક મળી.