ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની કુલ 28,212 જગ્યાઓ ખાલી છે. અહીં 1,028 પ્રાથમિક શાળાઓ, 786 સરકારી ઉચ્ચ શાળાઓ અને 1,775 ગ્રાન્ટેડ ઉચ્ચ શાળાઓ શિક્ષકો વિના છે. આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 16,318 જગ્યાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 774 જગ્યાઓ ખાલી છે તેમ વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારના મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. હવે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આગામી સમયમાં રાજ્યમાં 25000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકારી શાળાઓમાં 16,000 નવા ઓરડાઓ બનાવવામાં આવશે. એક પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હશે તો પણ તેને બંધ કરવામાં આવશે નહીં. હાલમાં એક પણ શાળા બંધ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર અન્ય ગામોમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે સરકારી વાહનોની વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે. 2022ના વિધાનસભા સત્રમાં સરકારે કોંગ્રેસના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 રૂમની અછત છે. શાળાના ઓરડાની ઘટના સંદર્ભે ધારાસભ્યો પણ સમયાંતરે શિક્ષણ મંત્રી સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરે છે. રાજ્યના શિક્ષણ વિભાગને મળેલી રજૂઆત મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 11000 ઓરડાઓ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ રૂમ માટેના ખર્ચ અંગે બજેટમાં 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ નવા રૂમ તૈયાર કરવામાં આવશે.
