કોરોના મહામારીથી માતા કે પિતા ગુમાવી નિરાધાર બનેલા ૦ થી ૧૮ વર્ષ સુધીની વયજુથના બાળકોને ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ હેઠળ રાજયના ૭૭૬ બાળકોને પ્રતિબાળક રૂા.૪૦૦૦ની સહાય લેખે ખાતામાં સીધા જમા કરાવ્યા હતા. આ યોજના હેઠળ સુરત શહેર-જિલ્લાના ૩૧ બાળકોના બેંક ખાતામાં દર મહિને રૂા.૪૦૦૦ લેખે ધનરાશિ જમા થશે. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મેયરશ્રીમતિ હેમાલીબેન બોધાવાલા, ધારાસભ્યશ્રીમતિ ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવડીયા, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જયેન્દ્ર ઠાકોર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પટેલ પણ જોડાયા હતા. આ અવસરે પદાધિકારીઓ તથા અધિકારીઓએ બાળકોને સ્કુલબેગ સહિતની કિટ્સ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ યોજના હેઠળ તા.૧/૪/૨૦૨૦ બાદ જે બાળકોએ પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા તમામ બાળકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દર માસે રૂા.૪૦૦૦ની સહાય મળશે. આ ઉપરાંત અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતાના ધોરણે લાભ અપાશે. અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદા બાદ સિવાય અગ્રતાના ધોરણે આપવામાં આવશે. આવા બાળકોને ઉચ્ચશિક્ષણ વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. આ ઉપરાત રાજયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તથા વિદેશ અભ્યાસની લોન આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા અવા બાળકો યુવક-યુવતિઓને ૨૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ રૂા.૬ હજારની સહાય મળશે.
