કોરોના સંક્રમણના ફેલાવા વચ્ચે હવે લોકો પાસે જાણે એક જ માર્ગ સ્વયંભૂ શિસ્તનું પાલન કરવાનો જ રહ્યો છે. આખુ શહેર મુશ્કેલીમાં મૂકાયું છે, ત્યારે લોકો સરકારની ગાઇડ લાઇનનો પાલન કરે તે ખૂબ જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન જરૂરી છે. ઔદ્યોગિક નગરી સુરત ટેકસ્ટાઇલ અને ડાયમંડ વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી અને તે સફળ થતું દેખાઈ રહ્યું છે.હીરા બજાર અને કાપડ માર્કેટમાં લોકો સ્વયંભૂ કામકાજથી અળગા રહ્યા છે.

સાથે જ અગ્રણીઓ દ્વારા શનિ-રવિ માર્કેટ બંધ રાખવાના નિર્ણયને સજ્જડ પ્રતિસાદ આપી રહ્યાં છે. સુરત ઔદ્યોગિક શહેર છે. તે સ્વાભાવિક રીતે જ અહીં લોકોની અવરજવર અન્ય શહેરોની સરખામણીએ ખૂબ વધારે છે. છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણના ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સંક્રમિત વિસ્તાર ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ફેક્ટરીઓનો વિસ્તાર જોવા મળ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પોતાની ચિંતા વ્યક્ત કરતા પોતાની રીતે જ મહત્વના નિર્ણયો લેવાનું વિચાર્યું હતું.વહીવટી તંત્ર તેની રીતે કામ કરી રહ્યું છે. પરંતુ પોતાની નૈતિક જવાબદારી સમજીને વેપારી એસોસિયેશનો આગળ આવીને સ્વયંભૂ બંધ પાળ્યું છે.
