ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમરેલી એસ.પી.ને સસ્પેન્ડ કરવા અને તેમની સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દલિત સમાજ દ્વારા પોલીસને આગોતરી જાણ કરવામાં આવેલ કે અમારી હત્યા થવાની સંભાવના છે છતાં પણ પોલીસ દ્વારા અગમચેતી રૂપે સુરક્ષા આપવામાં આવતી નથી અને આવી લગભગ આઠ થી દસ જેટલી ઘટનાઓ બની છે કે જેમાં આગોતરા જાણ કર્યા પછી પણ પોલીસ સુરક્ષા ના મળી એટલે જાણ કરનારની હત્યા થઈ છે. ઉદાહરણ તરીકે છેલ્લે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના બગોયા ગામના અરવિંદ પરમારના વ્યક્તિએ અમરેલીના એસ.પી.ને ફોન કરીને જાણ કરી હતી કે મારી હત્યા થવાની સંભાવના છે. મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે પણ એસ.પી. દ્વારા અરવિંદ પરમારને ૧૦૦ નંબર ડાયલ કરવાની, નજીકના પોલીસ સ્ટેશનમાં જવાની વાત કરવામાં આવી પણ એસ.પી.એ સામે ચાલીને કોઈ સુરક્ષા આપવામાં પગલા લીધા ન હતા અને થોડા જ સમયમાં અરવિંદ પરમારની લાસ મળે છે. લાસ મળેને તેનું પોસ્ટ મોર્ટમ કર્યા વગર તેમની અંતિમવિધી કરવામાં આવે છે. મૃત્યુનું કારણ કોઈ પણ હોઈ શકે છે. પણ પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ કર્યા વગર આવા પ્રકારના કેસમાં અંતિમવિધી કરવા દેવામાં આવી એમાં અમરેલી એસ.પી.નો સંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવે છે અને આ પહેલા પણ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર દ્વારા સ્થાનિક પોલીસને જીલ્લાના એસ.પી.ને, ડી.આઈ.જી.ને રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીને આગોતરા જાણ કર્યા પછી પણ તેમની હત્યા થાય છે. આની પહેલા આજ પ્રકારે ધંધુકામાં પ્રવિણાબેન દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવે છે છતાં તેમણી પણ હત્યા કરવામાં આવે છે. ભાવનગરમાં અમરાભાઈ બોરીચા પણ પોલીસને અગાઉથી જાણ કરે છે કે તેમની જાનને જોખમ છે પોલીસ પ્રોટેક્શન મળતુ નથી અને તેમની હત્યા થાય છે. બોટાદના ઝાડીલા ગામે મંજીભાઈ સોલંકી સાથે પણ આ પ્રકારની ઘટના થાય છે.
ગુજરાતમાં એવુ લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત પોલીસને એવો નિર્દેષ આપેલો છે કે ગુજરાતના દલિતોની હત્યા થતી હોય તો થવા દેવાની. તેઓ અગાઉથી પોલીસને જાણ કરે કે તેમની સાથે કાંઈ ખોટુ થવાની સંભાવના છે તો અગમચેતીના કોઈ પગલા નહીં ભરવા. પંદર દિવસ પહેલા અમદાવાદના નરોડા ખાતેથી અનિતાબેન વાઘેલા નામના દલિત સમાજની દિકરીની લાસ શંકાસ્પદ હાલતમાં મળે છે. હજુ સુધી અમદાવાદ જેવા શહેરમાં પણ પોલીસ દિકરીના હત્યારાઓને પકડી શકી નથી. તે પોલીસની અને ગુજરાત સરકારની દલિતો પ્રત્યેની હિન્ન ભાવના દર્શાવે છે. બગોયા ગામની ઘટનામાં આ કેસની તપાસ પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવે અને અમદાવાદની નરોડાની ઘટનાની તપાસ સુજાતા મજુમદારને સોંપવામાં આવે તેવી અમે માંગણી કરીએ છીએ.
અમદાવાદ જીલ્લાના મોડાસર ગામે વિક્રમ પરમાર દ્વારા પોતાની જાનને જોખમ હોવાની વાત અમદાવાદ એસ.પી.ને કરવામાં આવેલ છે. પહેલા તેમને પ્રોટેક્શન મળ્યું હતું અને પ્રોટેક્શન હટ્યા પછી તેમની ઉપર હુમલો થયો છે. વિક્રમભાઈને પણ જલ્દીથી સુરક્ષા આપવામાં આવે જેથી કરીને એક હત્યાને અટકાવી શકાય.
આજની પત્રકાર વાર્તામાં ગુજરાત કોંગ્રેસ એસ.સી. વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.
