ગુજરાત-વિધાનસભામાં સરકારને ઘેરવા કોંગ્રેસ રણનીતિ ઘડશે

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાના આગામી બે દિવસીય ચોમાસુ સત્રની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની આજે ગાંધીનગરમાં બેઠક મળવાની છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવા મુદ્દા તૈયાર કરાશે. વિધાનસભાનું ટુંકુ સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આજે ગાંધીનગર સ્થિત વિપક્ષના નેતાના કાર્યાલયમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કોરોનાકાળમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને કેવી રીતે ભીંસમાં લેવી, ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને થયેલા નુકસાન અને હવે ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું જમીન ધોવાણ, ઉભા પાકને નુકસાન, ગામડાઓમાં ખેતીવાડી ઉપરાંત રહેણાંકના મકાનોને નુકસાન, તાઉ તે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થયેલા નુકસાન અને બાગાયતી પાકોને થયેલા કરોડોના નુકસાન સામે સરકારની નજીવી સહાય સહિતના મુદ્દા ઉપરાંત મહિલા અત્યાચાર, બેરોજગારી, શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તી રહેલી અંધાધૂંધી, ફી માફીની માંગણી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે મુદ્દા પર ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરાશે. ભરતસિંહે કહ્યું હતું કે, ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી ખુલ્લી પડી ગઇ છે, સરકારી ચોપડે 10,081 લોકોના કોરાનાથી મોત થાય છે, પણ 31,850 સ્વજન ગુમાવ્યા હોવાના ફોર્મ કોંગ્રેસને મળ્યા છે.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે, વ્યવસ્થાના અભાવ અને બેદરકારીના પરિણામે ગુજરાતમાં 2.81 લાખ જેટલા નાગરિકો મોતને ભેટયાનું હાવર્ડના સંશોધનમાં બહાર આવ્યું છે. આ સંસ્થાગત હત્યાઓ બીજી લહેરમાં ઓકિસજન, રેમડેસિવિરના કાળા બજારને કારણે પરિવારજનોને સ્વજન ગુમાવવા પડયા હતાં. ભાજપે વ્યકિત બદલ્યા છે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા સરકાર બદલશે તેમ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. સોલંકીએ કોવિડથી મૃત્યુ પામનાર દર્દીનાં પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર અને સરકારી કર્મચારી કોવિડને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેના સંતાનને કાયમી સરકારી નોકરી આપવાની માગ સાથે કોવિડના દર્દીઓને તમામ મેડિકલ-હોસ્પિટલનાં ખર્ચની રકમની ચૂકવણી,સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસની માગ પણ કરી હતી. ગુજરાત વિધાનસભાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગાંધી જયંતિના દિવસે કોંગ્રેસમા સત્તાવાર રીતે જોડાય તેવું રાજકિય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મેવાણી માટે વડગામની બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. તેમજ પરોક્ષ રીતે કોંગ્રેસના ટેકાથી મેવાણી ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં હતાં.

Share This Article