મોરારીબાપુનાં નિવેદનનો વિવાદ ચરમસીમાએ, બાપુ સ્વામિનારાયણ ભગવાનની નામજોગ માંગે માફી

admin
1 Min Read

કથાકાર મોરારી બાપુએ ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરુપ નીલકંઠ અંગે આપેલા નિવેદનને લઈ ભારે હોબાળો મચ્યો છે. મોરારી બાપુના આ નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરીભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અક્ષરવત્સલ સ્વામીએ બીએપીએસ સંસ્થા તરફથી નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, મોરારી બાપુએ ભગવાન સ્વામિનારાયણને બનાવટી નીલકંઠ કહીને તેમની અવહેલના કરી હતી. ઝેર ખાય એ નીલકંઠ, લાડુડીઓ ખાધી હોય એ નીલકંઠ ન હોય એવી હલકી ટીકા કરીને મોરારી બાપુએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કરવાની હલકી મનોવૃત્તિ છતી કરી છે. સાધુ અક્ષરવત્સલ દાસે જણાવ્યુ કે, મોરારી બાપુએ પોતાની ટિપ્પણીઓ વિશે વિચાર કરવો જોઈએ. મોરારિબાપુએ મિચ્છામી દુક્કડમ્ તો કહ્યું પણ તે સમયે તેમના ચહેરા પર અફસોસ કે માફીનો કોઈ ગ્લાનિભાવ દેખાતો નહોતો. તેમણે હસતા-હસતા પાસિંગ કોમેન્ટ કરી હતી. તેમણે ખરેખર જાહેરમાં સાચા હૃદયથી માફી માંગવી જોઈએ.

મહત્વનું છે કે, ભગવાન સ્વામિનારાયણનું એક નામ નીલકંઠ વર્ણી પણ છે. આ નામ કોઈ આધુનિક રીતે ઊભુ કરેલ નામ નથી. 11 વર્ષની વયે ગૃહત્યાગ કરીને સન 1792થી સન 1799 દરમિયાન સતત 7 વર્ષ સુધી હિમાલયમાં કઠોર તપ અને અખિલ ભારતની પદયાત્રા કરનાર બાળયોગી ભગવાન સ્વામિનારાયણને તપસ્વીઓ, જોગીઓ, જતિઓ, સંતો-મહંતોએ નીલકંઠ નામ આપીને પોકાર્યા હતા.

Share This Article