દમણમાં સ્વયંભૂ બંધની અસર જોવા મળી

admin
1 Min Read

દમણ પ્રશાસને મોટી દમણ વિસ્તારમાં આવેલી 6 શેરીઓમાં સરકારી જમીન પર કરાયેલા મકાનોના દબાણોને દુર કરાતા મહિલા સહિત રહીશો રસ્તા પર આવી ગયા હતા. મકાન વિહોણા પરિવારોએ પ્રશાસન અને રાજકીય નેતાઓ સામે ઉગ્ર રોષ ઠાલવી સતત બે દિવસ ચક્કાજામ કરી પ્રશાસનિક અધિકારી વિરૃદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. પોલીસે દંડાવાળી કરી 80થી વધુ મહિલા સહિત લોકોની અટકાયત કરી હતી. પ્રશાસનની કાર્યશૈલી અને મનસ્વી નિર્ણય સામે સતત બે દિવસથી દમણ સ્યંભૂ બંધ રહ્યં હતું. ઈતિહાસમાં પહેલીવાર દમણ સતત ચોથા દિવસે પણ બંધ રહ્યું હતું. વેપારીઓએ સ્યંભૂ દુકાનો બંધ રાખી અસગ્રસ્તોને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં દમણ પુલ દુર્ઘટનાને પગલે બે દિવસ દમણ બંધ રહ્યું હતું. હાલ સતત ચોથા દિવસે દમણ બંધ રહેતા પ્રશાસન પણ ગભરાઈ ગયું હતું. જીલ્લા કલેકટર રાકેશ મિન્હાસ, મામલતદાર સાગર ઠક્કર અને પોલીસ કાફલો દમણના જુદા-જુદા વિસ્તારમાં નીકળ્યા હતા. કલેકટરે લોકોને પોતાના વેપાર-ધંધા ચાલુ કરવા અપીલ કરવી પડી હતી. કલેકટરે કેટલાક વેપારીઓને ધાક ધમકીથી દુકાનો બંધ કરાવવામાં આવે છે કે કેમ ? એવું પૂછતા વેપારીઓએ સર્જાયેલી પરિસ્થિતિને કારણે વેપારીઓએ સ્યંભૂ દુકાનો બંધ રાખી હોવાનું જણાવી દીધું હતું. દુકાનોની સાથે ચોથા દિવસે પણ ઓટો રીક્ષા અને ટેક્ષી સેવા પણ બંધ રહી હતી. જયારે ઓઆઈડીસી સંચાલિત સારથી બસ સેવા પણ બંધ રહી હતી.

Share This Article