વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો

admin
1 Min Read

બોરસદ શહેરમાં અગાઉ ધોધમાર વરસ્યા બાદ વરસાદે વિરામ લેતા વાયરલ ઈન્ફેકસનના કેસો વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય કેન્દ્ર તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો થઈ આશરે 250થી વધુ દર્દીઓના કેસ નોંધાયા છે.
બોરસદ શહેરના ભોભાફળી, રાજા મહોલ્લા, મલેકવાડા, ફતેપુર, બળિયાદેવ વિસ્તાર સહિત શહેરની સોસાયટીઓમાં છેલ્લા ૪ દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકોમાં વાયરલ ઈન્ફેક્શનથી તાવ અને ઝાડા-ઊલ્ટીનો રોગચાળો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી વાયરલ ઈન્ફેકશનને લઈ તાવ, ઝાડા, ઊલટી, શરીરના દુ:ખાવા સહિતના રોગચાળાએ માથું ઉંચકતા દર્દીઓને સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે બોરસદ પંથકમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળે પાણી ભરાઈ રહેતા તેમજ કાદવ કીચડ થવાના કારણે મચ્છરો અને અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. જો તંત્ર દ્વારા તાકીદે પગલાં ભરવામાં નહિ આવે તો રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. વાયરલ ઈન્ફેકશનના દર્દીઓ વધી રહ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી શહેરમાં દવાનો છટકાંવ કરવામાં આવ્યો નથી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ રોગચાળાને કાબૂમાં લેવા કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનો સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો.

Share This Article