ગુજરાતમાં વરસાદને લઈ હવામાન ખાતાએ કરી આગાહી

admin
1 Min Read

ગુજરાતમાં ચોમાસાની પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયા બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શુક્રવારે પણ રાજ્યના કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વડોદરામાં 36 ડિગ્રી, સુરતમાં 33 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. તો રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકોએ બપોરના સમયે ગરમીનો અનુભવ કર્યો હતો. તો છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા કેટલાક વિસ્તારોમાં વરસાદનું પણ આગમન થયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આગામી 48 કલાકમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસશે. જ્યારે છઠ્ઠી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

Share This Article