રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક નદી નાળાઓ છલકાઈ ગયા છે. મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉલ્લેખનીય છે કે દક્ષીણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ડાંગ તેમજ ભરૂચમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વરસાદ બંધ થયા પછી પણ આફત ઓછી થવાનું નામ નથી લઇ રહી. ડૂબવાના કારણે મોતની ઘટનાઓ ઘટવાના પ્રસંગો વધી રહ્યા છે.
ત્યારે સુરતના મહુવાના વારીયા ગામમાં એક આધેડ નદીમાં તણાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. અહેવાલ મુજબ, આ આધેડ નદીમાં પગ ધોવા માટે ઉતર્યા હતા અને અચાનક નદીમાં પ્રવાહ વધતા વહેણમાં તણાવા લાગ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા કોઈ વ્યક્તિએ તેમને જોતા, આ ઘટનાની માહિતી ફાયર વિભાગને આપી હતી. ઉલ્લેખનીય છે કે બારડોલી ફાયર વિભાગની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબી ગયેલા આધેડને શોધવા માટેની કામગીરી આરંભી હતી.
