જગતનો તાત ચિંતામાં : ભર શિયાળે ગુજરાતમાં માવઠું થવાની આગાહી

admin
1 Min Read

છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જગતના તાત ખેડૂતો માટે હવામાન ખાતા વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યાં છે. નવા વર્ષમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે.

નવા વર્ષની શરુઆતમાં 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરાઈ છે.

મહત્વનું છે કે, આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અડધાથી ૬ ડિગ્રી જેટલો લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો હતો.

Share This Article