ફિલ્મ ‘ટીપુ’નું મોશન પોસ્ટર આ વર્ષે મે મહિનામાં રિલીઝ થયું હતું. પોસ્ટરમાં મૈસુરના રાજા ટીપુ સુલતાનનો ચહેરો કાળો કરવામાં આવ્યો હતો. આ સાથે જણાવવામાં આવ્યું કે કેવી રીતે 8 હજાર મંદિરો તોડી પાડવામાં આવ્યા અને 40 લાખ હિંદુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું. ફિલ્મનું પોસ્ટર સામે આવતાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે તેના નિર્માતા સંદીપ સિંહે જાહેરાત કરી છે કે તે ફિલ્મ ‘ટીપુ’ નહીં બનાવે. તેણે જણાવ્યું કે તેના પરિવારના સભ્યો અને મિત્રોને ધમકીઓ મળી રહી છે.
લાગણી દુભાવવા બદલ માફી માંગી
સંદીપ સિંહે સોમવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેણે ટીપુના પોસ્ટરની સાથે એક નોટ શેર કરી અને કહ્યું કે તે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. જો કોઈને દુઃખ થયું હોય, તો તે તેના માટે માફી માંગે છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતીય તરીકે એકબીજાનું સન્માન કરવું જોઈએ.
પોસ્ટ લખીને જણાવ્યું હતું
સંદીપ સિંહે પોસ્ટમાં લખ્યું, ‘હઝરત ટીપુ સુલતાન પર ફિલ્મ નહીં બને.
હું મારા સાથી ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે મારા પરિવાર, મિત્રો અને મને ધમકાવશો નહીં અથવા દુર્વ્યવહાર કરશો નહીં. અજાણતામાં કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. આમ કરવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો કારણ કે હું તમામ માન્યતાઓને માન આપવામાં દ્રઢપણે માનું છું. ભારતીયો તરીકે, ચાલો આપણે હંમેશા એક થઈએ અને હંમેશા એકબીજાને માન આપીએ. લવ, સંદીપ સિંહ.