વડોદરા શહેરમાં એક તરફ વહીવટી તંત્ર કોરોનાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યું છે.50 ટકા કર્મચારીઓના સ્ટાફ સાથે પાલિકામાં કામગીરી ચાલી રહી છે.ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે.જેનું સમારકામ કરવામાં વિલંબ થતા દરરોજ પાણી વિતરણના સમયે હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી ડ્રેનેજમાં વહી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.આ અંગે માહિતી આપતા સામાજીક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સરદાર એસ્ટેટ પાસે પારસમણી સોસાયટી, જીએનપટેલ સ્કૂલ પાસે બે જગ્યાઓ પર છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈન લીકેજ થઈ છે.આ જગ્યાએ પહેલાં પણ લાઈન લિકેજ હતી.ત્યાં રીપેરીંગ કરવામાં આવ્યું હતું પરંતુ,અણગઢ કામગીરી કરતા પાલિકા તંત્રના કારણે આ જગ્યાએ ફરીથી લીકેજ થયું છે.અને છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે.હાલ કોરોના મહામારી દરમિયાન પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર રહી ગયો છે.ત્યારે પ્રાથમિક સુવિધા અને પીવાના પાણીની પડતી તકલીફો દૂર કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું હોવાનું સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.