ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો બચવુ મુશ્કેલ બનશે, સરકાર લાવશે ટ્રાફિક જગતમાં ડિજિટલ યુગ

admin
1 Min Read

કેન્દ્રની મોદી સરકાર દેશમાં હાઇવે અને શહેરના ટ્રાફિક જગતમાં ડિજિટલ યુગની શરુઆત કરવા જઇ રહી છે. આ માટે રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીને હાઇટેક બનાવવાની યોજના અમલમાં લાવવામાં આવશે. જે હેઠળ પોલીસ-ટ્રાફિક અને પરિવહન અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લાગશે. જેથી સહજ રીતે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા નાગરિકો પર અંકુશ મેળવી શકાય.

દેશભરની પોલીસ અને પરિવહન અધિકારીઓને હાઇટેક સાધનોથી સજ્જ બનવવામાં આવશે, જેમાં તેમના વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઇવે જંક્શન પર કેમેરા, સ્પીડ કેમેરા લગાવવાની યોજના અમલમાં મુકાશે. આ સિવાય સ્પીડ ગન, વે ઇન મોશન જેવા અન્ય ડિજિટલ ઉપકરણો પણ લગાવવામાં આવશે.

બોડી કેમેરાના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં પૂરાવા તરીકે પણ રજૂ કરાશે. બોડી કેમેરા ચાર રસ્તા પર કે હાઇવે પર ટ્રાફિક કન્ટ્રોલર પર લગાવાશે. જેના લીધે પૈસા પડાવતા વિભાગના અધિકારીઓ પર અંકુશ મેળવી શકાશે. માહિતી મુજબ રાજ્યોના પાટનગર અને 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં આ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા પરિવહન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રાફિક વ્યવસ્થામાં ડિજિટલ ઉપકરણો સામેલ થવાથી સિગ્નલ તોડવા, ઓવર સ્પીડ, નો પાર્કિંગમાં પાર્કિંગ, સિટ બેલ્ટ, હેલમેટ, મોબાઇલ પર વાત કરતા ડ્રાઇવિંગ જેવા ટ્રાફિક નિયમોના ભંગના વીડિયો-ઓડિયો રેકોર્ડિંગને કોર્ટ સમક્ષ રજૂ કરી શકાશે.

Share This Article