WhatsApp પર પ્રાઇવેસી પોલિસીને લઈને મોટા ભાગના લોકો વચ્ચે ખુબ આશંકાઓ છે. ગત સપ્તાહે સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ તમારી અંગત જાણકારી લઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સાથે શેર કરશે. લોકોના વિરોધ બાદ કંપનીએ પોતાનું મૌન તોડ્યું છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું કે, કઈ જાણકારી લેવામાં આવશે નહીં. આ અંગે કંપની દ્વારા જણાવાયુ છે કે, એપ પોતાના સામાન્ય યૂઝર્સના પ્રાઇવેટ મેસેજનો ડેટા લેશે નહીં. તેમજ લોકોના પ્રાઇવેટ કોલનો ડેટા લેવામાં આવશે નહીં. સાથે કંપનીએ સ્પષ્ટ કર્યુ કે જે પણ ડેટા શેર કરાશે બે વ્યક્તિ વચ્ચે જ રહેશે.

કંપની મુજબ જ્યારે વ્હોટસએપ પર લોકેશન શેર કરવામાં આવે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહે છે. તેનો અર્થ એવો છે કે, આપનું લોકેશન અને આપના દ્રારા શેર કરવામાં આવતા સામેની વ્યક્તિ સિવાય લોકેશન કોઇ નહીં જોઇ શકે. નવી પ્રાઇવેસી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ દરેક યૂઝરના લોકેશનના ડેટાને લઈને ફેસબુક સાથે શેર કરશે. પરંતુ હવે કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે વોટ્સએપ યૂઝર્સના કોઈ લોકેશનનો ડેટા ફેસબુકની સાથે શેર કરવામાં આવશે નહીં. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે વોટ્સએપમાં રહેલા ગ્રુપ્સ ચેટ અને જાણકારીઓ ખાનગી રહેશે. કંપની ખાનગી ગ્રુપ્સની જાણકારી કોઈ સાથે શેર કરશે નહીં.
