મહીસાગરમાં ઋતુનો 134 ટકા વરસાદ

admin
2 Min Read

મહીસાગરમાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. સારો વરસાદ થતા ખેડૂતોએ કરેલા વાવેતર હવે આજ વરસાદનો ભોગ બન્યા છે. અને જેને લઇ સમગ્ર જિલ્લામાં ખેતીના વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મહીસાગરમાં આ ચોમાસાની સીઝનનો 134 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. અને હજુ પણ સતત વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને લઇ જિલ્લાના તમામ જળાશયો 100 ટકા ભરાઈ ચુક્યા છે. સારો વરસાદ અને જિલ્લાના જળાશયો ભરાઈ જવાને લઈ પંથકના ખેડૂતો નિશ્ચિત હતા અને સારો પાક થવાની આશા જિલ્લાના ખેડૂતો એ ડાંગર, મકાઈ, ગુવાર, મરચી, મગ, બાજરી, કપાસ, સોયાબીન અને શાકભાજી જેવા પાકો કર્યા હતા. આ પાકની જાળવણી માટે મોંઘા ભાવના ખાતર અને દવાઓનો છંટકાવ પણ કર્યો છે. વરસાદ સારો અને ખેતી લાયક વરસી રહ્યો હોય ખેડૂતોને સારા પરિણામની આશા બંધાઈ હતી. આ વખતે ખેતી ફાયદાકારક થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ તમામ આશાઓ ખેતીના જીવનદાતા સમાન મેઘરાજા એ જ પાણી ફેરવી દીધુ છે. સતત વરસાદ, વાદળ છાયું વાતાવરણ અને નહીંવત્ત સૂર્યપ્રકાશને લઈ જિલ્લાની મોટાભાગના ખેત વાવેતરને ભારે નુકસાન થયું છે. મોટાભાગના વિસ્તારોમાં તો તમામ પાક નિષ્ફળ પણ ગયો છે. ત્યારે જિલ્લાના ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશ લગાવીને બેઠા છે.

 

Share This Article