કોરોના વાયરસના સંક્રમણથી દુનિયાભરના અનેક દેશો ઝઝૂમી રહ્યા છે. દુનિયાભરના લોકો કોરોનાની સુરક્ષિત અને કારગર વેક્સીનની રાહ જોઈ રહ્યા છે, જે લાંબા સમય સુધી આ સંક્રમણથી બચાવી શકે. રશિયા અને ચીને કોરોનાની વેક્સીન તૈયાર કરી લીધી છે અને રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. જ્યારે ભારત, અમેરિકા, બ્રિટેન સહિતના દેશો કોરોનાની વેક્સીન પર ઝડપી કામ કરી રહ્યા છે. ત્યારે ભારતની વેક્સીનને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે.

કોરોનાની રસીના ડોઝ આવતા વર્ષના માર્ચ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકારને આશા છે કે ત્યાં સુધીમાં 3 ટ્રાયલ પુરા થઈ શકે છે અને એક્સપર્ટ્સ પાસેથી ક્લિયરન્સ પણ મળી જશે. દેશમાં કુલ 3 રસીઓના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. સરકારને લાગે છે કે આમાંથી 2 તો માર્ચ સુધી લોન્ચ માટે તૈયાર થઈ જશે. ગત અઠવાડિયે 3 મોટા રસી ઉત્પાદકોએ નિર્માતાઓ સાથે સરકાર સાથે બેઠક કરી છે. જેમાં રસીની ઉપલબ્ધતાને લઈને રેગ્યુલેટરી અપ્રુવલ, ડિસ્ટ્રીબ્યૂશન પર વાત થઈ. જો બધુ બરાબર રહેશે તો કંપનીઓ માર્ચ સુધી રસી લોન્ચ કરી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન કહી ચૂક્યા છે કે સરકાર જુલાઈ 2021 સુધીમાં 40-50 કરોડ ડોઝ મેળવી લેવાની યોજના બનાવી રહી છે. ભારતમાં કોરોના સામેની જંગ માટે કોવિશીલ્ડ આ રેસમાં સૌથી આગળ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાજેનેકા આ વેક્સીન તૈયાર કરી રહ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ આ વેક્સીનને ભારત લાવવા માટે એસ્ટ્રાજેનેકા સાથે કરાર કર્યા છે.

જ્યારે સ્વદેશી કોવેક્સિન પર આઈસીએમઆર-એનઆઈવી અને ભારત બાયોટેક કામ કરી રહ્યા છે. જેનું હ્યુમન ટ્રાયલ હાલ ફેઝ-2માં પહોંચ્યું છે. આ ઉપરાંત ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી વેક્સીન પર પણ કામ ચાલી રહ્યું છે.
