પાલનપુરમાં દાદા-દાદીનો ઓટલો કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

ગુજરાત રાજ્ય માતૃભાષા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ‘દાદા- દાદીનો ઓટલો’ કાર્યક્રમ યોજાયો. વર્ષ 2017થી દર માસના બીજા અને ચોથા રવિવારે યોજાતો આ કાર્યક્રમ અવિરતપણે બાળસેવા અને માતૃભાષા સંવર્ધન માટે યોજાઈ રહ્યો છે. રવિવારે રજાના દિવસે સૌ કર્મચારીઓ પોત પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે અને કેટલાક નિઃસ્વાર્થ ભાવ અને સ્વખર્ચે નિષ્ઠાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. આવી જ એક ઉત્તમ અને પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક એટલે ભરતભાઇ વાલજીભાઇ પરમાર. જેઓ એક ઇનોવેટીવ, એવોરડી, ઉત્સાહી અને ઉત્તમ શિક્ષક છે. જેમના થકી ‘દાદા- દાદીનો ઓટલો’ કાર્યક્રમનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. આજની યાંત્રિક અને ટેક્નોલોજી આધારિત જીવનશૈલીના જમાનામાં બાળકોનું સહજ ઘડતર થાય તે ખુબજ જરૂરી છે. જેથી પારંપરિક અને વિસરાતી જતી વિરાસતો તેમજ વારસાને કથા-કથન અને કળા કૌશલ્યોના માધ્યમોથી જીવંત રાખવા બાળકોને અવનવું જ્ઞાન પીરસવામાં આવે છે. રવિવારે અલગ – અલગ દાદા-દાદી અને જેમની પાસે જ્ઞાનનો ખજાનો છે એવા મહાનુભાવોને આમંત્રિત કરી તેનો લાભ બાળકો સુધી પહોંચાડવા માટે ‘દાદા-દાદીનો ઓટલો’ કાર્યક્રમ યોજવામાં આવે છે.

Share This Article