આજકાલના ટેકનોલોજીના યુગમાં બાળકો બહાર રમવા જવાને બદલે ઘરે બેસીને મોબાઇલ ગેમ રમવાનું વધુ પસંદ કરે છે. તરુણોનો બહાર મેદાનમાં જઈને રમવાનો સમય હવે બેઠા બેઠા મોબાઈલ મચેડવામાં જઈ રહ્યો છે . મળતી માહિતી મુજબ, આખી દુનિયામાં છોકરાઓ કરતા છોકરીઓ વધુ શારીરિક રીતે ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય રહે છે. 16 લાખ તરુણોના પરીક્ષણમાં 78% નિષ્ક્રિય છોકરાઓ સામે 85% છોકરીઓને ઇનએક્ટિવ નોંધવામાં આવી. ભારતમાં પણ છોકરાઓ સૌથી વધુ ગલી ક્રિકેટ રમવાના કારણે શારીરિક કસરત મેળવે છે જયારે છોકરીઓ મુખ્યત્વે ઘરકામ કરવામાં વ્યસ્ત રહેતી હોવાથી શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લઇ શકતી નથી. ભારતમાં મોટા ભાગની શારીરિક એક્ટિવિટી માટે ક્રિકેટનું ગાંડપણ જવાબદાર છે. મહત્વનું છે કે, આખા દિવસના એક કલાક પણ શારીરિક પરિશ્રમની પ્રવૃત્તિ ન કરતા હોય તેને ફિઝીકલી ઇનએક્ટિવ કહેવામાં આવે છે. જો કે, ભારતમાં ગામડાના વિસ્તારોમાં તરુણો શાળાએ જવા માટે માઈલોનું અંતર પગે ચાલીને કાપે છે જયારે શહેરી વિસ્તારોમાં ટીનએજર્સ સ્કૂલ અને ક્લાસીસમાં રીક્ષામાં ફરે છે. આમ 73.9% માંથી કેટલાક તરુણોએ રોજ સખત પરિશ્રમ કરવો પડે છે જયારે કેટલાક તરુણો બિલકુલ કસરતમાં ભાગ લેતા નથી.
