આજકાલની ભાગદોડ ભરી લાઈફમાં લોકો ફીટ અને એક્ટીવ રહેવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. જેના માટે લોકો દ્વારા હેલ્ધી ફૂડનું સેવન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફીટ રહેવા માટે લોકો ફ્રુટ્સ , સલાડ, તેમજ ગ્રીન ટી નો મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે. ગ્રીન ટી ની જેમ જ માચા એક પારંપરિક ટ્રેડિશનલ ટી છે, જે વિશેષ રૂપથી ઉગાડવામાં આવેલા અને પ્રોસેસ કરાયેલા લીલી ચાના પત્તામાંથી બનાવવામાં આવેલો બારીક પાઉડર છે. શહેરના શેફ માચાનો ઉપયોગ કરી તેમાંથી સુપ્સ, પેનકેક, આઈસક્રીમથી લઈને કપકેક તેમજ પ્રોટીન બાર્સ બનાવે છે. માચા સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી હોય છે, અને તેમાંથી પોષક તત્વો પણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. માચાએ ગ્રીન ટીનો જ એક પ્રકાર છે. રેગ્યુલર ચા કરતા આ ચામાં વધારે પોષક તત્વો હોય છે. તાજેતરમાં થયેલી એક સ્ટડી પ્રમાણે માચા ટી માં ત્રણ ગણું વધારે કેચિકન્સ હોય છે જે કેન્સર, હૃદય તેમજ સ્કીનને લગતી બીમારીઓ સામે રક્ષણ પૂરુ પાડે છે. માચા ટી એન્ટીઓક્સિડેન્ટ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે મેટાબોલિઝમ વધારે છે જેથી વજન ઉતારવામાં પણ મદદ મળે છે. આ ચા વિટામિન સી, સેલેનિયમ, ઝિન્ક અને મેગ્નેશિયમથી ભરપૂર છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો માચા ટી શરીરને ડીટોક્સીફાય કરે છે તેમજ પિત અને કફની તકલીફને દુર કરવામાં પણ મદદરૂપ નીવડે છે.
