ફરાળી પૂરણપોળી અને બાસુંદીની મોજ

admin
4 Min Read

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણપોળીનું અનેરું મહત્ત્વ છે. જો પૂરણપોળીના પ્રેમ વિશે વાત કરીએ તો બન્ને રાજ્યોમાં એની એકસરખી લોકપ્રિયતા છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં લીલા નારિયેળની છીણ નાખેલી પૂરણપોળી ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે પૂરણપોળી બનાવવામાં આવે છે. ઘણા પરિવારમાં તો પૂરણપોળીને ઘીમાં ડુબાડીને પીરસવામાં આવે છે. અમદાવાદમાં અમુક રેસ્ટોરાં ખૂલી છે જે માત્ર મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસે છે એ રોસ્ટેરાંના મેનુમાં પણ પૂરણપોળીને એક અલગ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. પૂરણપોળી આમ તો એકલી જ ખાવાની મજા આવે, પણ જો એની સાથે બાસુંદી હોય તો સોને પે સુહાગા જેવી વાત થઈ જાય છે.

ફરાળી પૂરણપોળી કે જે બટાટાના માવામાંથી તૈયાર થાય છે એની રેસિપી આપને જણાવીશુ. જોકે, પૂરણપોળી ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તેની સાથે બાસુંદી પણ હોય. ઘરની બાસુંદી હોય તો બે-ત્રણ વાટકા પી જવામાં પણ વાંધો નહીં. તો ચાલો જોઈએ ફરાળી પૂરણપોળી અને બાસુંદીની રેસિપી…

સામગ્રી
એક લીટર દૂધ (ફુલ ક્રીમ)
૬-૮ સમારેલા પિસ્તા
૬-૮ સમારેલી બદામ
એક ચપટી કેસર
૧ નાની ચમચી એલચી પાઉડર
૧ નાની ચમચી જાયફળ પાઉડર
ખાંડ (સ્વાદ અનુસાર)

રીત
તપેલી અથવા કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઊભરો આવે એટલે ગૅસ ધીમો કરી દો. હવે ધીમા તાપ પર દૂધને એના કરતાં અડધું થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં. હવે દૂધમાં ખાંડ, જાયફળ પાઉડર અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો અને વધુ ૫ મિનિટ ઉકળવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો. હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગૅસ બંધી કરી દો. સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે. બાસુંદી ઠંડી કરીને ખાવામાં મજા આવે છે. બાસુંદીને ફરાળી પૂરણપોળી સાથે સર્વ કરો!

ફરાળી પૂરણપોળી

સામગ્રી
બાફેલા બટાટા – 400 ગ્રામ (છૂંદી નાખવા)
ચોખ્ખું ઘી – 250 ગ્રામ
રાજગરાનો લોટ – 400 ગ્રામ
ખાંડ – સ્વાદ મુજબ
૨ ચમચી કાજુ
૪/૫ એલચી વાટેલી
૨ ચમચી બદામની કતરણ

રીત
બટાટા બાફીને એને છુંદીને માવો બનાવવો. બટાટાને હથેળીના ભારથી બરાબર છૂંદીને લીસા બનાવી દેવા અને એની અંદર કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું. એક વાસણમાં ઘી ગરમ કરીને એમાં બટાટાનો માવો નાખીને ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે સોતે કરવું. બરાબર ગરમ થઈ વરાળ નીકળવા લાગે એટલે એમાં ખાંડ, એલચી, કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરવું. આ પૂરણને બાજુમાં ઠરવા માટે મૂકી દેવું.
ઉપરનું પડ બનાવવા માટે રાજગરાના લોટમાં એક ચમચી તેલ નાખી સરસ પોચો અને મુલાયમ લોટ બાંધવો. જરૂર પ્રમાણે પાણી રેડવું. લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે. હવે સરખા ૪ ગોળા વાળી લેવા. રાજગરાના લોટની રોટલી વણવી. જો લોટ તૂટી જતો હોય એમ લાગે તો અંદર શિંગોડાનો લોટ ઉમેરી દેવો. બટાટાના પૂરણનો ગોળો વાળી લેવો અને એ ગોળો લઈ રોટલીની વચ્ચે મૂકી બધી બાજુથી સરખી બંધ કરી ફરીથી લોટ ભભરાવી રોટલી વણવી.
હવે ગૅસ પર લોઢી મૂકી પૂરણપોળી ઘી નાખી બન્ને બાજુથી સરખી શેકવી. આછી બદામી થાય ત્યાં સુધી શેકવી. તૈયાર છે ગરમાગરમ ફરાળી પૂરણપોળી.

Share This Article