બાંગ્લાદેશીઓ હવે ગુજરાતની ડુંગળીનો માણશે સ્વાદ

admin
1 Min Read

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના નાગરિકોને પણ હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણવા મળશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન બાંગ્લાદેશના દર્શન સ્ટેશન મોકલી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી પહેલીવાર 42 વેગન (ડબ્બા) સાથેની કોઈ ટ્રેન વિદેશ મોકલવામાં આવી છે.

(File Pic)

આ ટ્રેન ધોરાજીથી 4 ઓગસ્ટે રાત્રે રવાના થઈ હતી અને લગભગ સાડા ત્રણ દિવસ એટલે કે 75થી 80 કલાકમાં 2437 કિલોમીટરનું અંતર પસાર કરી બાંગ્લાદેશ પહોંચશે. ઓગસ્ટમાં તબક્કાવાર વધુ 3થી 4 ગૂડ્સ ટ્રેનમાં ડુંગળી બાંગ્લાદેશ મોકલવામાં આવે તેવી શક્યતા છે.

બાંગ્લાદેશ રવાના કરાયેલી પહેલી ગૂડ્સ ટ્રેનથી રેલવેને 46 લાખની આવક થશે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેના તમામ 6 ડિવિઝનમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના આ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત આસપાસના વેપારીઓ અને એપીએમસી સાથે ચર્ચા ચાલી રહી છે. આ વિસ્તારમાંથી ડુંગળી મોકલવાનો નિર્ણય કરાયો છે. બાંગ્લાદેશ માટે નિકાસનો માર્ગ ખૂલતા આ વિસ્તારના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ડુંગળી માટે મોટું બજાર માનવામાં આવે છે.

Share This Article